Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નબીપુરમાં ઉછીના નાણા આપવાનું વૃધ્ધને પડયું ભારે, સીસીટીવીમાં નિહાળો હત્યાનો ખુની ખેલ

ભરૂચ : નબીપુરમાં ઉછીના નાણા આપવાનું વૃધ્ધને પડયું ભારે, સીસીટીવીમાં નિહાળો હત્યાનો ખુની ખેલ
X

ભરૂચ તાલુકાના નબીપુર ગામના લાપત્તા બનેલા વૃધ્ધના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વૃધ્ધને નાણાના વિવાદમાં ઘરે બોલાવી ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહનો નિકાલ કરી દેવાયો છે. જયાં બનાવ બન્યો હતો ત્યાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ખુની ખેલ કેદ થઇ ગયો છે. પોલીસે છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતીમાં કહેવત છે જર, જમીન અને જોરૂ છે કજિયાના છોરૂ.. આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં બન્યો છે. એક વૃધ્ધને મહિલાને નાણા ઉછીના આપવાનું ભારે પડી ગયું છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર નબીપુરના રહેવાસી મહેબુબ ચેતન છેલ્લા કેટલાક દિવસોથી લાપત્તા બની ગયાં હતાં. તેઓ ઘરેથી એક મહિલાને આપેલા ઉછીના નાણા પરત લેવા માટે જઉ છું તેમ કહીને નીકળ્યાં હતાં. તેઓ લાપત્તા બની જતાં તેમના પુત્રએ નબીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

મોડે મોડે જાગેલી પોલીસે 80 વર્ષીય મહેબુબ ચેતન જે મહિલાના ઘરે નાણા લેવા ગયાં હતાં ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં. જેમાં મહેબુબ ચેતનની છ જેટલા લોકોએ ગેલેરીમાં વાયરથી ગળે ટુંપો દઇ હત્યા કરી નાંખ્યા બાદ મૃતદેહનો નિકાલ કરી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ તો નબીપુર પોલીસે છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મહેબુબ ચેતનનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી.

Next Story