હર્ષ દામાણી બન્યા તીર્થહંસવિજયજી મહારાજ

14 વર્ષ પેહલા
  • કૉપી લિંક
રાજકોટમાં ગુરુવારે સવારે રેસકોર્સમાં જૈન સમાજના ચારેય ફિરકાઓના સંઘની હાજરીમાં બાળમુમુક્ષુ હર્ષ કમલેશભાઈ દામાણીએ દીક્ષા અંગિકાર કરી હતી. આ પ્રસંગે જૈનમ્ જયંતી શાસનના નારાથી સમગ્ર પંડાલ ગુંજી ઊઠ્યો હતો. બાળમુમુક્ષુ હર્ષ કમલેશભાઈ દામાણીએ ગુરુવારે સવારે છ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી મહાભિનિષ્ક્રમણ શરૂ કર્યું હતું. આ સમયે અનેરા દ્રશ્યો સર્જાયા હતા. રેસકોર્સમાં ઊભી કરાયેલી સંયમવાટિકામાં ૮-૩૦ વાગ્યે દીક્ષાવિધિનો પ્રારંભ થયો ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારા ગુંજી ઊઠ્યા હતા. બાળમુમુક્ષુ હર્ષે ગુરુ મહારાજ તીર્થભદ્રવિજયજીને શાલ ઓઢાડી પ્રદક્ષિણા કરી હતી અને બાદમાં મહારાજે હર્ષને વાસક્ષેપથી પવિત્ર કર્યો હતો. દીક્ષાવિધિના પ્રારંભે ગુરુ ભગવંતોએ મંગલ પ્રવચનો કર્યા હતા અને દીક્ષાર્થી હર્ષે સંસારી અવસ્થાનું અંતિમ પ્રવચન કર્યું હતું. હર્ષે દેવવંદન અને ગુરુવંદના કરી તીર્થભદ્રવિજયજીને સંસાર સાગરને પાર કરવા દીક્ષા આપવા વિનંતી કરી હતી. ગુરુ તીર્થભદ્રવિજયજીએ હર્ષના પરિવાર અને ચર્તુવિધ સંઘની અનુમતિ સાથે હર્ષને દીક્ષા આપી હતી.ગુરુ મહારાજે બાળમુમુક્ષુ હર્ષને રજોહરણ આપ્યો ત્યારે બાળદીક્ષાર્થી હર્ષ આનંદવિભોર થઈ નાચી ઊઠ્યો હતો. આ વિધિ બાદ દીક્ષાર્થીએ તમામ વિધિવિધાન સાથે સ્નાન કરી માથાના વાળનો લોચ કરી, સાધુના શ્વેત કપડાં, હાથમાં રજોહરણ અને મેરુદંડ સાથએ પુન: દીક્ષા મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે ભાવિકોની આંખ છલકાઈ હતી. ગુરુદેવ તીર્થભદ્ર વિજયજી મહારાજે વિધિવત જૈન ભાગવતી દીક્ષા આપી હતી અને ગુરુદેવે નવદીક્ષાર્થીનું નામ તીર્થહંસ વિજયજી મહારાજ જાહેર કર્યું હતું. જૈનોના ચારેય ફિરકાઓનું સ્વામી વાત્સલ્ય પણ એક આકર્ષણ બન્યું હતું.